મંગળવાર, ૧૬ ડિસેમ્બર, ૨૦૨૫

સમાચાર

ગુરુવાર, ૨૩ ઑક્ટ્બર, ૨૦૨૫

મુલુંડમાં ચિત્તો છુટ્ટો ફરતો હોવાની અફવા: AI થી બનાવેલ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

તાજેતરમાં મુલુંડ વિસ્તારમાં ચિત્તો મુક્ત રીતે ફરે છે એવી અફવા સોશિયલ મીડિયામાં ઝડપથી ફેલાઈ ગઈ હતી તેથી નાગરિકોમાં ખળભળાટ મચી ગયો હતો. પરંતુ આખરે કૃત્રિમ બુદ્ધિ કે આર્ટીફીશિયલ ઈન્ટેલીજન્સ (AI) ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલ ચિત્તાનો ફોટો સોશિયલ મીડિયામાં શેર થયો હોવાનું બહાર આવ્યું હતું, જેના કારણે મુલુંડકરોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.
છેલ્લા બે દિવસથી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર મુલુંડ પશ્ર્ચિમમાં ચિત્તો જોવા મળ્યો એવો દાવો કરતો એક ફોટો મોટા પ્રમાણમાં ફેલાઈ રહ્યો હતો. પરંતુ તે ફોટો એઆઈની મદદથી બનાવવામાં આવ્યો હતો અને વિસ્તારના CCTV કે વન વિભાગ પાસે ચિત્તો દેખાવાની કોઈ નોંધ નથી, એવી માહિતી રેસ્ક્યુઇન્ક એસોસિએશન ફોર વાઇલ્ડલાઇફ વેલ્ફેર (RAW)ના પવન શર્માએ આપી હતી.
આ દરમિયાન વન વિભાગ તથા પ્રાણી સંરક્ષણ સંસ્થાઓએ નાગરિકોને અપીલ કરી છે કે અફવાઓ પર વિશ્ર્વાસ ન રાખો અને ફક્ત અધિકૃત સ્ત્રોતો પાસેથી જ માહિતી મેળવો. જો ચિત્તો દેખાય તો તરત જ વન વિભાગનો સંપર્ક કરો, પરંતુ ખાતરી કર્યા વિના કોઈ પણ માહિતી સોશિયલ મીડિયામાં ફેલાવો નહીં. એઆઇની મદદથી ખોટા ફોટા અને વિડિઓ બનાવવું હવે ખૂબ જ સરળ બન્યું છે, જેના કારણે ખોટી માહિતી ફેલાવાના બનાવોમાં વધારો થયો છે. આ પર નિયંત્રણ મેળવવા માટે પ્રશાસનએ જનજાગૃતિ સાથે સાઇબર તપાસને પણ વધુ મજબૂત બનાવવાની જરૂર છે, એવો અભિપ્રાય નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.