
સમાચાર
બુધ્વાર, ૭ મે, ૨૦૨૫
મહારાષ્ટ્ર બોર્ડના 12મા ધોરણનું પરિણામ જાહેર : મુંબઈ 92.93 ટકા સાથે રાજ્યમાં ત્રીજા ક્રમાંકે
મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે સોમવાર, તા.5 મે 2025ના 12મા ધોરણના પરિણામોની તેની સત્તાવાર વેબસાઈટ પર જાહેરાત કરી હતી, જેમાં રાજ્યનું પરિણામ 91.88 ટકા આવ્યું છે જે ગયા વર્ષના 93.37 ટકા કરતા ઓછું નોંધાયું છે જ્યારે મુંબઈનું 92.93 ટકા પરિણામ આવ્યું છે. મુંબઈ વિભાગ પાસ ટકાવારીમાં ત્રીજા ક્રમાંકે રહ્યું છે. નોંધનીય છે કે આ વર્ષે મુંબઈ વિભાગે ગયા વર્ષ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. દર વર્ષની જેમ કોંકણ વિભાગે 96.74 ટકા સાથે સૌથી સારું પ્રદર્શન કર્યું છે.
બોર્ડની મહારાષ્ટ્ર એચએસસીની પરીક્ષા તા.11 ફેબ્રુઆરીથી 18 માર્ચ 2025 દરમ્યાન યોજાઈ હતી. આ વર્ષે મહારાષ્ટ્ર એચએસસી બોર્ડની પરીક્ષા 1417969 સ્ટુડન્ટ્સ એ પરીક્ષા આપી હતી.
જેમાંથી 1302873 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જ્યારે ખાનગી વિદ્યાર્થીઓ 35697 એ પરીક્ષા આપી હતી અને 29892 છાત્રો પાસ થયાં હતા. કોઈપણ વિદ્યાર્થીએ 100 ટકા પૂર્ણ માર્ક મેળવ્યા નથી. અંદાજે 4500 વિદ્યાર્થીઓ 90 ટકાથી વધુ ગુણાંક મેળવ્યા છે.