
સમાચાર
બુધ્વાર, ૯ એપ્રિલ, ૨૦૨૫
ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મુલુંડથી છેડા નગર સુધી એલિવેટેડ રોડના નિર્માણનો આરંભ
ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે (EEH) પર મુલુંડ પૂર્વમાં આનંદ નગરથી છેડાનગર સુધી 13.40 કિલોમીટર લાંબા એલિવેટેડ રોડનું નિર્માણકાર્ય થઈ ગયું છે. 3,314.40 કરોડ રૂપિયાના ખર્ચે બંધાનારા આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ર્ય પૂર્વ મુંબઈના આ વ્યસ્ત વિસ્તારમાં કનેક્ટિવિટી સુધારવા અને મુસાફરીને સરળ બનાવવાનો છે. જો કે, એના નિર્માણ દરમ્યાન EEH પર મુલુંડ અને ઘાટકોપરના છેડા નગર વચ્ચે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે.
આ એલિવેટેડ રોડ માટે બંને દિશામાં ત્રણ લેન બનાવવામાં આવશે. તેમાં છેડાનગર, કાંજુરમાર્ગ, ઐરોલી બ્રિજ અને મુલુંડ ઓક્ટ્રોય નાકા ખાતે પ્રવેશ (એન્ટ્રી પોઈન્ટ) અને બહાર નીકળવાના સ્થળો (એક્ઝીટ પોઈન્ટ)નો સમાવેશ થશે. ઇન્ચાર્જ કોન્ટ્રાક્ટર ડિસેમ્બર 2028 સુધીમાં આ બાંધકામ પૂર્ણ કરે તેવી અપેક્ષા છે.
હાલમાં, આ રોડના નિર્માણ માટેનું પ્રારંભિક કાર્ય ચાલી રહ્યું છે. હાલ હાઇવેના કેટલાક ભાગોમાં બેરિકેડ મૂકવામાં આવ્યા છે અને જમીનની ટેકનિકલ તપાસ માટે માટી પરીક્ષણનું કામ કરવામાં આવી રહ્યું છે. આ માટી પરીક્ષણની પ્રક્રિયા ઐરોલી ફ્લાયઓવર અને વિક્રોલી વચ્ચે ચાલી રહી છે. ત્યારબાદ તેને છેડાનગર સુધી લંબાવવામાં આવશે.જમીનની ટેકનિકલ તપાસમાં માટીનો ડેટા એકત્રિત કરવા માટે જમીનમાં બોરિંગ કરવામાં આવે છે અને તેના સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે. આ ડેટા એલિવેટેડ રોડના પાયા અને એકંદર માળખાની ડિઝાઇન કરવા માટે મહત્વપૂર્ણ છે. એકવાર આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી એલિવેટેડ રોડનું મુખ્ય બાંધકામ શરૂ થશે.