
સમાચાર
બુધ્વાર, ૩૦ એપ્રિલ, ૨૦૨૫
મુલુંડના મહત્વના મુદ્દાઓ બાબતે વિધાનસભ્ય મિહિર કોટેચાએ સુધરાઈ કમિશનર સાથે બેઠક કરી
મુલુંડના વિધાનસભ્ય મિહિર કોટેચા સુધરાઈ કમિશનર ભૂષણ ગગરાનીને મળ્યા હતા અને મુલુંડ માટે મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ ચર્ચા વિચારણામાં તેમણે નીચે મુજબના સૂચનો કર્યા હતા:
મુલુંડ-ઐરોલી જંક્શન પર આવેલા પ્રભુ શ્રીરામ ચોક પર ચાર નવા ફ્રી લેફ્ટ આર્મ (રસ્તા) બનાવવાનું સૂચન કર્યું હતું, જેથી આ જંક્શન પર ભીડમાં ઘટાડો થાય.
ઉપરાંત આ જ સ્થળે હાલના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે બ્રીજ ઉપર નવા એક ટુ-વે કેબલ સ્ટ્રે બ્રીજ બનાવવામાં આવે જેથી ઐરોલી તરફ જનારા પ્રવાસીઓના કિંમતી સમયની બચત થાય.
પાણીના પ્રેશરમાં ઘટાડાને કારણે મુલુંડવાસીઓને પાણી પુરવઠામાં વારંવાર પડતી સમસ્યાઓની ચર્ચા કરી હતી.
કોટેચાએ સીસી રોડના ચાલી રહેલાં કામને ઝડપી બનાવવા અને ચોમાસાના આગમન પૂર્વે તે પૂર્ણ થાય તેની ખાતરી કરવા રોડ ડિપાર્ટમેન્ટને સૂચના આપવા વિનંતી કરી હતી.
બાંગ્લાદેશી ફેરિયાઓ માટે શૂન્ય સહિષ્ણુતા તથા રસ્તાઓ પર ગેસ સિલિન્ડરના ઉપયોગ પર કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
મુંબઈ શહેરનો કચરો ફેંકવા માટે કાંજુરમાર્ગનું ડમ્પિંગ ગ્રાઉન્ડ બંધ કરીને વૈકલ્પિક સ્થળની શોધ કરવાની માંગણી કરી હતી. મુલુંડના બગીચાઓનું સંચાલન અને જાળવણી કરવાનું સૂચન પણ મિહિર કોટેચાએ આપ્યું હતું.