
સમાચાર
ગુરુવાર, ૫ જૂન, ૨૦૨૫
વિક્રોલીમાં LBS માર્ગને ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી જોડતા નવનિર્મિત ફ્લાયઓવરની મુલાકાતે મનોજભાઈ કોટક
ઇશાન મુંબઈના પૂર્વ સાંસદ મનોજ કોટકે તાજેતરમાં વિક્રોલીમાં એલબીએસ માર્ગને ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી જોડતા નવનિર્મિત ફ્લાયઓવરની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, દીર્ઘ કાળથી વિલંબિત રહેલી આ ફ્લાયઓવરની માગણી તેમના સતત પ્રયત્નોને લીધે પૂર્ણ થઈ છે. આ ફ્લાયઓવરને લીધે વિક્રોલી તેમ જ સમસ્ત ઇશાન મુંબઈનો વાહનવ્યવહાર સરળ થશે અને આ વિસ્તારના સર્વાંગી વિકાસને ગતિ મળશે. ફ્લાયઓવરનું નિરીક્ષણ કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે,બે મહત્વની બાબતો કરવાની હજી બાકી છે ટાગોર નગરના રહેવાસીઓ માટે વાહનવ્યવહાર સુલભ કરવા માટે ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે જંકશનને પહોળો કરવાનું અને નવા ફ્લાયઓવરની પહોળાઈ પ્રમાણે રોડ લાઈન નિશ્ર્ચિત કરવાનું બાકી છે. આ બાબતનો હલ કરવાની જરૂર છે અને મહાપાલિકા કમિશ્નરના સહકારથી તેમનું નિરાકરણ કરવા માટે પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત થર્મોપ્લાસ્ટિક, પેઈન્ટ, સ્ટડસ/કેટ આયજ લગાવવા, પેઇન્ટિંગ ટચ-અપ અને રમ્બ્લર બેસાડવાનું અંતિમ કામ હાલ શરૂ છે જે ટૂંક સમયમાં જ પૂરું કરવામાં આવશે.
આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે સતત સપોર્ટ આપવા બદલ મનોજ કોટકએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમ જ મહાપાલિકા અને રેલ્વે અધિકારીઓનો આભાર માન્યો હતો. આ પ્રસંગે મહાપાલિકાના અધિકારીઓ અને સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતા.