રવિવાર, ૬ જુલાઈ, ૨૦૨૫

સમાચાર

શુક્રવાર, ૬ જૂન, ૨૦૨૫

કોંગ્રેસ દ્વારા મુંબઈ ભાજપ અધ્યક્ષ અને રાજ્યના પ્રધાન આશિષ શેલાર વિરૂદ્ધ મુલુંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

મુંબઈ કોંગ્રેસના પ્રમુખ અને સાંસદ પ્રો. વર્ષા ગાયકવાડ-ગોડસેના સાસરિયાની અટક "ગોડસે” હોવાનું ટાંકીને, મુંબઈ ભાજપ પ્રમુખ અને રાજ્ય મંત્રી આશિષ શેલારે વર્ષા ગાયકવાડના સંબંધી હોવાનો દાવો પ્રસાર માધ્યમોની સામે ગુરૂવાર તા. 29 મેના કર્યો હતો. વર્ષા ગાયકવાડે આ દાવો ખોટો હોવાનું કહ્યું છે.
વર્ષા ગાયકવાડની ફક્ત સાસરિયાની અટક ‘ગોડસે’ની સમાનતાનો ઉલ્લેખ કરતું શેલાર દ્વારા અપાયેલું વક્તવ્ય વર્ષા ગાયકવાડ અંગે ઇરાદાપૂર્વક ખોટી, ભ્રામક જાણકારી પ્રસારિત કરીને તેમને બદનામ કરવાનો પ્રયાસ છે એવી ટીકા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. આ સંદર્ભે મુલુંડમાં મુંબઈ કોંગ્રેસના શિષ્ટમંડળએ મુલુંડ પોલિસ સ્ટેશનના સિનિયર પોલિસ ઇન્સ્પેકટર અજય જોશીની મુલાકાત લઈને આશિષ શેલાર પર વર્ષા ગાયકવાડની બદનામી કરવાના હેતુથી જાણીજોઈને ખોટી માહિતી પ્રસારિત કરવા બદલ અને તેમની માનહાનિ કરવાના આરોપસર ભારતીય ન્યાય સંહિતાની કલમ 356 હેઠળ ગુનો દાખલ કરવાની માગણી કરી હતી.
આ પ્રસંગે મુંબઈ કોંગ્રેસના ઉપપ્રમુખ અને ભૂતપૂર્વ નગરસેવક બી.કે. તિવારી, ઇશાન મુંબઈ જિલ્લા કાર્યકારી પ્રમુખ ઉત્તમ ગીતે, મુંબઈ કોંગ્રેસના સચિવ રાજેશ ઇંગલે, વરિષ્ઠ કોંગ્રેસ નેતા ડો. આર. આર. સિંહ, મુંબઈ કોંગ્રેસના પ્રવક્તા ભરત સોની, પછાત વર્ગીય કોંગ્રેસના સંતોષ સોનાવણે, રાજુ ધાવરે સહિત કોંગ્રેસના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.