સોમવાર, ૭ જુલાઈ, ૨૦૨૫

સમાચાર

બુધ્વાર, ૧૧ જૂન, ૨૦૨૫

મુલુંડમાં રહેતી પુત્રીનું સરનામું ભૂલી ગયેલી અમદાવાદની વૃદ્ધાનો પુત્રી સાથે નિર્ભયા ટીમે કરાવ્યો મેળાપ

ભોઇવાડા પોલીસને 4 જૂનના રોજ કેઈએમહોસ્પિટલની બહાર એક 74 વર્ષીય વૃદ્ધ મહિલા મળી આવી હતી, જેની યાદશક્તિ આંશિક રીતે ઓછી થઈ ગઈ હતી. ઘણા દિવસોથી ગુમ થયેલી આ મહિલા બે લાખ રૂપિયા રોકડા લઈને અમદાવાદથી તેની મુલુંડમાં રહેતી પુત્રીને મળવા મુંબઈ આવી રહી હતી.બોરીવલી રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા પછી તેની યાદશક્તિ ખોવાઈ ગઈ હતી અને ત્યારથી તે રસ્તા કેઈએમ હોસ્પિટલની બહાર સૂઈ રહી હતી.
આ મહિલાને ફક્ત તેમનું નામ પ્રમિલાબેન છે અને તે સંસ્કાર નગરની રહેવાસી છે એટલું જ યાદ હતું.તેમણે ઓછામાં ઓછી ત્રણ રાત હોસ્પિટલની બહાર વિતાવી હતી. ભોઇવાડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સંજય કાશીનાથ પોટેએ તેમને રસ્તાની બાજુમાં પડેલા જોયા અને નિર્ભયા ટીમને જાણ કરી હતી.રેખા ભાણગે, રાધિકા પાટિલ, તૃપ્તિ ચવ્હાણ, તેજસ્વિની કાંબલે અને રાખી રાજપૂતની બનેલી મુંબઈ પોલીસની નિર્ભયા ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ અને પ્રમિલાબેનને પોલીસ સ્ટેશન લઈ ગઈ. તેમને ભોજન અને પાણી આપવામાં આવ્યા. સૌના આશ્ર્ચર્ય વચ્ચે તેમની હેન્ડબેગની તપાસ કરતાં ટીમને બે લાખ રૂપિયા રોકડા જોવા મળ્યા.
તેમના સામાનની તપાસ કરતી વખતે અધિકારીઓને એક કાગળનો ટુકડો મળ્યો જેના પર મોબાઇલ નંબર લખેલો હતો. એક એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, "અમે તે નંબર ડાયલ કર્યો ત્યારે જાણ થઈ કે તે અમદાવાદમાં તેના કેબલ ઓપરેટર ભૂપેન્દ્ર જોશીનો છે. જોશીએ અમને તેમના પરિવારનો સંપર્ક કરવામાં મદદ કરી.” 
ત્યારબાદ પોલીસ મુલુંડમાં રહેતી તેની પુત્રી નીતા મહેતાનો સંપર્ક કરી શકી. "અમે તેમની પુત્રી સાથે વીડિયો કોલ કર્યો અને તેણે પુષ્ટિ કરી કે તે મહિલા તેમની માતા છે. અમે તેમનો ફરીથી મેળાપ કરાવ્યો અને બે લાખ રૂપિયા રોકડા પરત કર્યા,” અધિકારીએ કહ્યું.
વધુ તપાસમાં જાણવા મળ્યું કે પ્રમિલાબેનનો તેમની પુત્રવધૂ સાથે ઝઘડો થયો હતો, અને તેથી તેમણે ઘર છોડી દીધું અને બેન્કમાંથી બે લાખ રૂપિયા ઉપાડી લીધા અને પછી તેમની પુત્રીને મળવા મુંબઈ આવવા નીકળ્યા. જોકે, બોરીવલી પહોંચ્યા પછી તેમની યાદશક્તિ ઓછી થઈ ગઈ અને તેમને ફક્ત પોતાનું નામ અને સંસ્કાર નગર નામ યાદ રહ્યાં.