સમાચાર
ગુરુવાર, ૨૩ ઑક્ટ્બર, ૨૦૨૫
જાત-પાત જોયા વિના દર્દીની પૂર્ણ સંભાળ રાખવી એ અમારું લક્ષ્ય છે
કોન્ફરન્સ નિમિત્તે મુલુંડ આવેલી નાગાલેન્ડની નર્સીસનો ગુર્જરમાત સાથે સંવાદ
મુલુંડ પશ્ર્ચિમ સ્થિત સેન્ટ પાયસ સોસાયટીમાં હાલ કેથોલિક નર્સીસ ગીલ્ડ ઓફ ઇન્ડિયાની કોન્ફરન્સ ચાલી રહી છે તેમાં ભાગ લેવા નાગાલેન્ડથી બે નર્સ મુલુંડ આવી છે. ગુર્જરમાતમાં ‘મારી ડાયરીના થોડા પાનાં’ કોલમના વિદ્વાન, બહુશ્રુત અને વિચારક એવા દામજીભાઈ ગડા થોડા સમય માટે તેમના યજમાન બન્યા હતા ત્યારે ગુર્જરમાતએ આ દૂર-સુદૂર ઉત્તર-પૂર્વથી આવેલી મહેમાનો સાથે સંવાદ સાધવાની તક ઝડપી લીધી હતી.
ત્સુસુ મેરી અને કેથરીન પુસા નામની સેવાભાવી નર્સીસએ વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે તેઓ કેથોલિક નર્સીસ ગીલ્ડ ઓફ ઇન્ડિયા નામની સંસ્થાની સભ્ય છે. આ સંસ્થાની ભારતભરની સભ્ય નર્સીસની એક કોન્ફરન્સ દર ચાર વર્ષે મુલુંડ પશ્ર્ચિમમાં સેન્ટ પાયસ કોલોનીમાં યોજાય છે જેમાં ભાગ લેવા તેઓ આવી છે.
કેથોલિક નર્સીસ ગીલ્ડ ઓફ ઇન્ડિયા એ સંસ્થાના લક્ષ્ય અંગે જણાવતા તેઓ કહે છે કે નર્સ તરીકે દરેક દર્દીની - પછી ભલે તે કોઈપણ નાત-જાત-ધર્મ-રંગનો હોય, અમીર હોય કે ગરીબ હોય તેની સંપૂર્ણ સંભાળ રાખવી એ અમારું લક્ષ્ય છે. તેમાં પણ આર્થિક રીતે નબળા, ગરીબ અને જરૂરતમંદ દર્દીની સંભાળ લેવામાં અને તેમને રાહત આપવામાં અમે વિશેષ ધ્યાન આપીએ છીએ.
નાગાલેન્ડના રહેવાસી તરીકે બાકીના ભારતને આપ કઈ રીતે જુઓ છો તે પ્રશ્નના જવાબમાં તેઓ તરત ગૌરવપૂર્વક જણાવે છે કે નાગાલેન્ડના રહેવાસીઓ પણ ભારતીયો છે. ભારતના દરેક રાજ્યની જેમ અમારી પોતાની વિશિષ્ઠ સંસ્કૃતિ, જીવનશૈલી અને પરંપરાઓ છે. ભારતના અન્ય ભાગોની સરખામણીએ નાગાલેન્ડમાં રસ્તા અને વાહનવ્યવહાર સહિત અન્ય માળખાકીય સુવિધાનો અભાવ છે પરતું તે છતાં ભારતીય તરીકે અમને અમારી અનોખી રહેણીકરણી અંગે ગર્વ છે.
બન્ને મહિલાઓએ દામજીભાઈ ગડા અને તેમના ધર્મપત્નીનો તેમની મહેમાનગતિ અને ઉચ્ચ આતિથ્યભાવના બદલ આભાર માન્યો હતો. આ અવસરે દામજીભાઈએ માહિતી આપી હતી કે આજથી 30 વર્ષ પહેલાં આ સંસ્થાની ઉદયપુરમાં યોજાએલી કોન્ફરન્સના મુલુંડના દાનવીર ઉદ્યોગપતિ ચંદ્રકાંત ગોગરી સ્પોન્સર હતા. વધુમાં દામજીભાઈએ જણાવ્યું હતું કે ભારતના અન્ય ભાગોની જેમ નાગાલેન્ડમાં પણ મુસ્લિમોની વસ્તી વધી રહી છે અને તેમના દ્વારા સ્થાનિક પ્રજાને ત્રાસ અપાઈ રહ્યો છે.