શનિવાર, ૨૫ ઑક્ટ્બર, ૨૦૨૫

સમાચાર

ગુરુવાર, ૨૩ ઑક્ટ્બર, ૨૦૨૫

મુલુંડના ફાઈનાન્સ ક્ધસલ્ટન્ટ સાથે રૂા.74.35 લાખની ઑનલાઈન શેર ટ્રેડિંગ છેતરપિંડી

મુલુંડના એક ફાઇનાન્સ ક્ધસલ્ટન્ટ સાથે વોટ્સએપ દ્વારા પોતાને સ્ટોક માર્કેટ એડવાઇઝર તરીકે ઓળખાવતા ગઠીયાઓએ રૂા.74.35 લાખની ઑનલાઇન શેર ટ્રેડિંગ છેતરપિંડી કરી છે. આ અંગે પૂર્વ વિભાગ સાયબર પોલીસ પાસે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનાવની વિગત પ્રમાણે ફરિયાદી દિનેશ રમણલાલ પંચાલ (ઉંમર 45, રહેવાસી: મુલુંડ પૂર્વ)એ પોલીસને જણાવ્યું કે 2 જુલાઈ, 2025ના રોજ નિકિતા શર્મા નામની મહિલાએ આંતરરાષ્ટ્રીય તથા ભારતીય મોબાઇલ નંબર પરથી વોટ્સએપ મેસેજ મોકલી સંપર્ક કર્યો હતો. તેણે પંચાલને શેર ટ્રેડિંગમાં રોકાણની તક બતાવી અને 1103 પ્રીમિયર ટ્યુટોરીયલ નામના વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું આમંત્રણ આપ્યું. આ ગ્રુપમાં રાજા કુમાર અને નિકિતા શર્મા એડમિન તરીકે હતા અને તેમાં 100થી વધુ સભ્યો હતા. ગ્રુપમાં નિયમિત રીતે ટ્રેડિંગ ટીપ્સ અને નફાના સ્ક્રીનશોટ્સ શેર કરીને લોકોને ફસાવવામાં આવતાં.
ત્યારબાદ નિકિતા શર્માએ પંચાલને પ્રીમિયર કંપની નામની એક વેબસાઇટની લિંક મોકલી હતી અને તેમનો આધારકાર્ડ, પાનકાર્ડ તથા બેંકની વિગતો અપલોડ કરવાની વિનંતી કરીને ઊંચા નફાની ખાતરી આપી હતી. 8 ઑગસ્ટથી 3ઑક્ટોબર 2025 દરમ્યાન ફરિયાદીએ બેંક ઓફ બરોડાના પોતાના ખાતામાંથી આરોપીઓઓ દ્વારા આપેલા વિવિધ બેંક ખાતામાં કુલ રૂા.74,35,000 ટ્રાન્સફર કર્યા હતા.
એફઆઈઆર અનુસાર, 7 ઑક્ટોબર, 2025ના રોજ ફરિયાદીના પ્રીમિયર એકાઉન્ટમાં રૂા.80 લાખનો નફો દર્શાવવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે તેમણે તે રકમ ઉપાડવાની વિનંતી કરી, ત્યારે તેમના ખાતામાં કંઈ જ જમા ન થયું. ત્યારે તેમને છેતરાયા હોવાનો ભાસ થતાં તેમણે 1930 સાયબર ફ્રોડ હેલ્પલાઇનમાં જાણ કરી અને 11 ઑક્ટોબરે પૂર્વ વિભાગ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આ છેતરપિંડીમાં સંકળાયેલા 11 અજાણ્યા બેંક ખાતાધારકો વિરૂદ્ધ સંબંધિત કલમો હેઠળ ભારતીય ન્યાય સંહિતા તથા માહિતી તકનીકી અધિનિયમ મુજબ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.