ગુરુવાર, ૮ મે, ૨૦૨૫

સમાચાર

બુધ્વાર, ૧૬ એપ્રિલ, ૨૦૨૫

મુલુંડમાંથી બચાવી લેવાયેલા ગોલ્ડન શિયાળનું મૃત્યુ

ગુર્જરમાતના ગયા અંકમાં મુલુંડની એક સોસાયટીમાંથી વન વિભાગ અને રેસ્ક્યુઇન્ક એસોસિએશન ફોર એનિમલ વેલ્ફેરના પ્રયત્નોથી એક ગોલ્ડન શિયાળને જીવનદાન મળ્યા અંગેના સમાચાર પ્રકાશિત થયા હતા. તેની પ્રાથમિક તબીબી તપાસમાં આ શિયાળ ડીહાયડ્રેશનના કારણે અશક્ત હોવાની શક્યતા લાગી રહી હતી. તેને કારણે તેના ઉપર ઉપચાર કરવામાં આવી રહ્યા હતા. આ તબીબી ઉપચાર દરમ્યાન આ ગોલ્ડન શિયાળનું મૃત્યુ થયું હતું. તેના પોસ્ટ મોર્ટમ દ્વારા જાણ થઈ હતી કે તેનું મૃત્યુ ડીહાયડ્રેશન તેમ જ તેને કોઈ ગાડીનો જોરથી માર લાગ્યો હોવાથી થયું હતું.
આ શિયાળ ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ઓળંગીને મુલુંડ પૂર્વ સ્થિત સોસાયટીમાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. કદાચ ત્યારે હાઈવે પર તેને કોઈ ગાડીનો જબરદસ્ત માર લાગ્યો હશે. આ ઘટનાએ મુંબઈ મહાનગર વિસ્તારમાં વન્યજીવોના નષ્ટ થઇ રહેલા વસવાટ તરફ લાલ બત્તી ધરી છે. આ ઉપરાંત માનવ-વન્યજીવ સંઘર્ષની શક્યતા પણ તજજ્ઞો દર્શાવી રહ્યા છે. તેમના પ્રાકૃતિક નિવાસનું નષ્ટ થવું, ભટકતા કૂતરાઓ તેમ જ રસ્તા પર થતા અકસ્માતોને કારણે આ પ્રજાતિનું અસ્તિત્વ જોખમમાં આવી જવાની ભીતિ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.