
સમાચાર
બુધ્વાર, ૧૬ એપ્રિલ, ૨૦૨૫
મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડના માત્ર 66 ટકા કચરાનું જ પ્રોસેસિંગ થયું છે
મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં કચરા પર પ્રક્રિયા માટે જૂન, 2025 સુધીની સમયમર્યાદા લંબાવવામાં આવી હોવા છતાં, કોન્ટ્રેક્ટર અત્યાર સુધી 70 લાખ ટન કચરામાંથી માત્ર 66 ટકા કચરા પર જ પ્રક્રિયા કરી શક્યો છે. નોંધપાત્ર કામ હજી બાકી હોવાથી મુંબઈ મહાનગરપાલિકા હવે બાકીનાં કામ પૂરા કરવા માટે કોન્ટ્રેક્ટરને સમયમર્યાદાની મુદત લંબાવી આપવી કે નહીં તે બાબતે વિચારણા કરી રહી છે. એ સાથે જ કામમાં વિલંબ કરવા બદલ કોન્ટ્રેક્ટરને ભારે દંડ પણ ફટકારવવામાં આવવાનો હોવાનું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડ બંધ કરવા માટે અગાઉ ઑક્ટોબર, 2024 સુધીની મુદત હતી પણ તેમાં ખાસ્સો એવો વિલંબ થઈ ગયો છે. કોરોના મહામારીને પગલે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે પાલિકાએ કોન્ટ્રેકટરને મુદત લંબાવી આપી હતી પણ એ સાથે જ તે કામ ઝડપથી કરે તે માટે તેની સામે આકરાં પગલાં પણ લેવામાં આવ્યાં હતાં. છતાં અત્યાર સુધી 46 લાખ ટન કચરાનું પ્રોસેસિંગ કરવાનું બાકી રહ્યું છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ કોરોના મહામારીને પગલે આ પ્રોેજેક્ટમાં વિલંબ થયો છે અને અમે કોન્ટ્રેક્ટરને એક વર્ષની મુદત પણ લંબાવી આપી હતી. કામમાં વિલંબ બદલ તેને નવ કરોડ રૂૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કોન્ટ્રેક્ટરને પ્રતિદિન 1,500 ટન કચરા પર પ્રક્રિયા કરવાનું લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. આમ છતાં હજી સુધી 46 લાખ ટન કચરો પ્રક્રિયા વગર પડી રહ્યો છે. કોન્ટ્રેક્ટને પ્રોજેક્ટ પૂરો કરવા માટે મુદત લંબાવી આપવાની માગણી કરી છે. જો તેને મુદત લંબાવી આપી તો પણ તેને વિલંબ બદલ પેનેલ્ટી તો ચૂકવવી જ પડશે.
મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડને બંધ થયા બાદ ઑક્ટોબર 2018માં 731 કરોડ રૂપિયાનો કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો, જેમાં અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કચરા પર પ્રક્રિયા કરવાની હતી. જોકે પ્રોજેક્ટ સામે અનેક વિધ્ન આવ્યા હતા. કોવિડ મહામારીને પગલે વિલંબ થવાની સાથે જ આવશ્યક મંજૂરીઓ મેળવવામાં મુશ્ર્કેલીઓ આવી હતી, તેને કારણે છેક 2021માં કામ ચાલુ થયું હતું. કોન્ટ્રેક્ટરને વાર્ષિક 11થી 12 લાખ ટન કચરા પર પ્રક્રિયા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું, જે લક્ષ્ય હજી સુધી પૂર્ણ થયું નથી.
મુંબઈમાં દરરોજ લગભગ 6,300 મેટ્રિક ટન કચરો નીકળે છે, તેમાંથી 5,500 મેટ્રિક ટન કાંજુરમાર્ગના પ્રોસેસિંગ પ્લાન્ટમાં મોકલવામાં આવે છે, જ્યારે માત્ર 10 ટકા દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં નાખવામાં આવે છે. મુલુંડ જે દેવનાર પછી શહેરનું બીજા નંબરનું સૌથી મોટું ડમ્પિંગ ગ્રાઉન્ડ હતું, તે 24 હેકટરમાં ફેલાયેલું હતું અને 1968થી કાર્યરત હતું.