
સમાચાર
બુધ્વાર, ૩૦ એપ્રિલ, ૨૦૨૫
બેસ્ટ બસનું મિનિમમ ભાડું ડબલ કરવાનો પ્રસ્તાવ BMC દ્વારા મંજૂર
હવે રાજ્ય સરકારની પરવાનગીની રાહ જોવાઈ રહી છે

આગામી દિવસોમાં મુંબઈગરાનો બૃહમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ની બસનો પ્રવાસ મોંઘો થવાની શક્યતા છે. BMCએ બેસ્ટની બસની ટિકિટનાં ભાડાંમાં વધારા કરવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે, જોકે ભાડાવધારાનો લગતો અંતિમ નિર્ણય રાજ્ય સરકારના હાથમાં છે. બેસ્ટની બસનાં ભાડાંમાં જો વધારો થાય છે તો 2018ની સાલની બાદથી આ પહેલો ભાડાં વધારો હશે.
બેસ્ટની બસનાં ભાડાંમાં બમણો વધારો થવાનો પ્રસ્તાવ છે. હાલ નોનએસી બસનું ભાડું પાંચ રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધીનું છે, તો એસી બસનું ભાડું છ રૂપિયાથી લઈને પચીસ રૂપિયા સુધી છે. જો બેસ્ટના ભાડામાં વધારો કરવાનો પ્રસ્તાવ મંજૂર થઈ જાય છે તો નોનએસી બસના 10 રૂપિયા અને એસી બસનાં ભાડાં 12 રૂપિયા થઈ જશે. ટિકિટના ભાડામાં વધારાની સાથે જ બેસ્ટના માસિક પાસમાં પણ વધારો થશે.
બેસ્ટના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ બેસ્ટ ઉપક્રમ વર્ષોથી ખોટ કરી રહ્યું છે. બેસ્ટને વારંવાર સુધરાઈ પાસેથી આર્થિક મદદ લેવી પડી રહી છે. સુધરાઈ પ્રશાસન દ્વારા બેસ્ટને મદદ આપવાની સાથે જ બેસ્ટનાં ભાડાંમાં વધારો કરવાની પણ અનેક વખત સૂચના આપવામાં આવી હતી. જોકે અનેક વખત રાજકીય વિરોધને પગલે ભાડાવધારો મુલતવી રાખવો પડયો હતો. જોકે હવે બેસ્ટ ઉપક્રમને જાતે જ ભંડોળ ઊભુ કરવું પડવાનું છે. મિનિમમ ભાડું પાંચ રૂપિયા હોવાથી બેસ્ટ દ્વારા ખોટનો જ ધંધો થઈ ગયો હતો. તેથી નાછુટકે હવે ભાડું વધારવું પડશે.
બેસ્ટ ઉપક્રમને થઈ રહેલી ખોટ તથા બસનાં ભાડાંમાં વધારાનામુદ્દે શુક્રવારે બેસ્ટ પ્રશાસને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે ચર્ચા કરી હોવાનું માનવામાં આવે છે. બેસ્ટની સતત ખોટને કારણે આર્થિક રીતે તેને સદ્ધર કરવા ભાડા વધારો જરૂરી હોવાથી બેસ્ટ ઉપક્રમ તે બાબતે મક્કમ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. બેસ્ટના જનરલ મેનેજર એસવીઆર શ્રીનિવાસે આ વર્ષે બેસ્ટ ઉપક્રમનો ચાર્જ લીધા બાદ તેને ખોટમાંથી બહાર કાઢવા માટે ભાડાવધારો કરવાની સલાહ આપી હોવાનું કહેવાય છે. ભાડાંવધારાને કારણે બેસ્ટને લગભગ 590 કરોડ રૂપિયાની વધારાની આવક થઈ શકે છે. જો રાજ્ય સરકાર પરવાનગી આપશે તો ભાડાંમાં વધારો આગામી થોડા દિવસમાં અમલમાં આવી શકે છે.