
સમાચાર
શુક્રવાર, ૧૬ મે, ૨૦૨૫
મુલુંડના ફીઝીયોથેરાપિસ્ટ કલા સોનીનું હેલિકોપ્ટર અકસ્માતમાં કરૂણ મૃત્યુ
ગુરૂવાર, તા. 8મી મેના રોજ ચારધામ પૈકીના એક ધામ ગંગોત્રી પાસે થયેલા હેલિકોપ્ટરના ગમખ્વાર અકસ્માતમાં હેલિકોપ્ટરના કેપ્ટન અને પાંચ મહિલાઓના મોત થયા હતા, જેમાંથી ત્રણ મહિલાઓ મુંબઈની હતી. મૃત્યુ પામેલી મહિલાઓમાં મુલુંડમાં છેલ્લા 40 વર્ષથી ફીઝીયોથેરાપિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહેલા ડો. કલા સોની સામેલ છે. તેમણે ગયા વર્ષે જ ગંગોત્રી જવાનું નક્કી કર્યું હતું પણ ખરાબ હવામાનને કારણે તે શક્ય બન્યું નહોતું. આ વર્ષે આ અધુરો રહેલો સંકલ્પ પૂર્ણ કરવા તેઓ યાત્રાએ નીકળ્યા પરંતુ નિયતિને તે મંજૂર નહોતું.
ડૉ. કલા (61) સાથે પવઈના હિરાનંદાનીમાં રહેતા વિજયા રેડ્ડી (57) અને રુચિ અગરવાલ (56) એ ત્રણેય સખીઓ મંગળવાર તા. 6 મેના રોજ યાત્રા માટે નીકળી. દહેરાદૂનથી રૂચિના મમ્મી રાધા અગરવાલ તેમની સાથે જોડાયા હતા એવી માહિતી ડૉ. કલાના ભાઈ ડૉ. અભિજિત સોનીએ આપી હતી. ગુરૂવારની સવારના 11 વાગ્યે આ દુર્ઘટનાની ખબર આપતો ફોન આવતાં જ તેઓ હતપ્રભ થઇ ગયા. ડૉ.કલા સોની અવિવાહિત હતા. તેઓ યંગ એન્વાયરમેન્ટ લિસ્ટ પ્રોગ્રામ સંસ્થાના સ્થાપક સભ્ય હતા. પર્યાવરણ સંબંધી જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં તેઓ હમેશા અગ્રેસર રહેતા. ઇકો ફ્રેન્ડલી ગણપતિ, વૃક્ષારોપણ જેવા અનેક પ્રકલ્પોમાં સંસ્થાના માધ્યમથી હાથ ધર્યા હતા. કોરોના કાળમાં તેમણે અનેક દર્દીઓને વિવિધ માધ્યમો દ્વારા યોગાસનો શીખવ્યા હતા. એક જ વિસ્તારમાં રહેતી ત્રણ બહેનપણીઓના અચાનક મૃત્યુથી તે વિસ્તારમાં શોકનું વાતાવરણ ફેલાયું છે.