સોમવાર, ૭ જુલાઈ, ૨૦૨૫

સમાચાર

શુક્રવાર, ૧૬ મે, ૨૦૨૫

કરદાતાઓના પૈસાનો અક્ષમ્ય બગાડ મુલુંડ-સાયન વચ્ચેનો સાયકલિંગ ટ્રેક હવે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો અડ્ડો

એક સમયે હરિયાળા અને સ્વાસ્થ્યપ્રદ શહેર તરફના સાહસિક પગલા તરીકે પ્રશંસા પામેલો મુલુંડથી સાયન સુધીનો 39કિલોમીટર લાંબો સાયકલિંગ ટ્રેક હવે જર્જરિત હાલતમાં છે. સાયકલ સવારો દ્વારા ક્યારેય ઉપયોગમાં ન લેવાયો હોવા છતાં, તે દર વર્ષે કરોડો રૂપિયાના જાળવણી ખર્ચ દ્વારા મહેનતથી કમાયેલા કરદાતાઓના પૈસાનું આંધણ કરી રહ્યો છે. એટલું જ નહીં, તે તમામ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટેનો અડ્ડો, અતિક્રમણ કરનારાઓ માટે આશ્રય અને સ્થાનિકો માટે ડમ્પિંગ ગ્રાઉન્ડ તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે.
શહેરને પાણી પૂરું પાડતી તાનસા પાઇપલાઇનને સમાંતર 2020માં બાંધવામાં આવેલ આ ટ્રેક સાયન, કુર્લા, ઘાટકોપર અને સાકી નાકામાંથી પસાર થઈને મુલુંડમાં સમાપ્ત થાય છે. તેના નિર્માણ માટે બીએમસીને રૂ. 500 કરોડનો જબ્બર ખર્ચ થયો હતો. ગયા વર્ષે રૂ. 3.7 કરોડનો જાળવણી કરાર બીબીઇન્ફ્રાટેક કંપનીને આપ્યોહતો. હવે આગામી બે વર્ષ માટે રૂ. 9.5કરોડનો નવીનતમ જાળવણી ટેન્ડર એ જ કંપનીને જારી કરવાનું બાકી છે.
સ્થાનિક રહેવાસીઓ કહી રહ્યા છે કે, "શરૂઆતથી જ આ ટ્રેકની ડિઝાઇન ખામીયુક્ત હતી-અસમાન સપાટીઓ, પગથિયાં, પથ્થરો અને અતિક્રમણ તેને સાયકલિંગ માટે અયોગ્ય બનાવે છે. તેને મુંબઈને ખૂબ જરૂર છે એવી પાર્કિંગ સ્પેસમાં રૂપાંતરિત કરવા માટે વારંવાર કરવામાં આવતી માંગણીઓ બહેરા કાને અથડાઈ છે.” ગાંધી માર્કેટ પાસે આવેલી એક દુકાનના માલિક જણાવે છે કે, "તે ડમ્પિંગ ગ્રાઉન્ડ બની ગયું છે. લોકો ષણમુખાનંદ હોલની મુલાકાત લીધા પછી કચરો ફેંકે છે, અને સાંજ સુધીમાં તે દારૂ પીવા અને જુગાર રમવાના અડ્ડામાં ફેરવાઈ જાય છે. ખાસ કરીને આ વિસ્તારમાં હોસ્પિટલો અને મોલ્સ હોવાથી અહીં પાર્કિંગ માટેની જગ્યા બનાવવી જોઈએ.”
શિવસેના યુબીટી નેતા આદિત્ય ઠાકરેની સંકલ્પના મુજબનો આ સાયકલિંગ ટ્રેક, નબળા આયોજન અને ગેરવહીવટનું પ્રતીક છે. તેની શરૂઆત થઇ હતી બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ તાનસા પાઇપલાઇનની સુરક્ષા માટે 16,000થી વધુ અતિક્રમણ દૂર કરવા માટે મોટા પાયે તોડી પાડવાની ઝુંબેશમાંથી. અતિક્રમણ કરનારાઓ પાછા ન ફરે તે માટે, બીએમસીએ ‘ગ્રીન વ્હીલ્સ અલોંગ બ્લુ લાઇન્સ’ નામનો એક પ્રોજેક્ટ ડિઝાઇન કર્યો. નગરપાલિકાએ 2018માં સાયન અને મુલુંડ વચ્ચે તાનસા પાઇપલાઇનને અડીને અતિક્રમણથી મુક્ત કરાયેલી જમીન પર 10 મીટર પહોળો સાયકલિંગ અને જોગિંગ ટ્રેકટ્રેક બનાવવાનું નક્કી કર્યું, જેનું કામ 2020માં પૂર્ણ થયું.
આ ટ્રેકનો ઉપયોગ હાલ ફક્ત મુલુંડમાં જ થઈ રહ્યો છે. બાકીનો વિસ્તાર સાયકલિંગ કરવાને લાયક રહ્યો નથી. લોકોના મનોરંજન માટે આ વિસ્તારનું સુશોભીકરણ થવું જોઈએ. જાળવણી પર વધુ પૈસા ખર્ચવા એ કરદાતાઓના પૈસાનો બગાડ છે.