
સમાચાર
બુધ્વાર, ૧૩ ઑગસ્ટ, ૨૦૨૫
ગુજરાતી ફિલ્મ ‘મહારાણી’માં ભગવાન હનુમાનના અપમાનજનક ચિત્રણ વિરૂદ્ધ ગુજરાતી વિચાર મંચ દ્વારા ફરિયાદ
ગુજરાતી ફિલ્મ ‘મહારાણી’માં ફિલ્મ નિર્માતા કંપની‘અ મંકી ગોડ એન્ટરટેઈનમેન્ટ’ દ્વારા ભગવાન હનુમાનના અપમાનજનક ચિત્રણ અંગે ગુજરાતી વિચાર મંચ તરફથી સેન્ટ્રલ બોર્ડ ફોર ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ને ફરિયાદ કરવામાં આવી છે.
ફિલ્મની શરૂઆતમાં ’અ મંકી ગોડ એન્ટરટેઈનમેન્ટ’ દર્શાવતા પ્રારંભિક દ્રશ્ય (ટાઈટલ્સ)માં ભગવાન હનુમાનને ખૂબજ અપમાનજનક રીતે દર્શાવવામાં આવ્યા છે.આ સીનમાં ભગવાન હનુમાનને કાર્ટૂનના સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે. આ દ્રશ્યમાં તેઓ પોતાની કમર હલાવે છે, ઘૂંટણિયે પડે છે, અને પછી પરંપરાગત માન્યતા મુજબ પોતાની છાતી ફાડી ભગવાન રામ અને દેવી સીતાને ન દર્શાવતા તેને બદલે મંકી ગોડ એન્ટરટેઈનમેન્ટનો લોગો દર્શાવે છે. ઉપરાંત ભગવાન હનુમાનને ચશ્મા પહેરેલા દર્શાવવામાં આવ્યા છે અને તેમના કપાળ પર તિલકનું મુખ્ય ચિહ્ન છે જે હિન્દુ ધર્મનું પવિત્ર પ્રતીક છે. આ ચિત્રણ શ્રદ્ધાળુ હિન્દુઓની ધાર્મિક લાગણીઓનું સીધું અપમાન છે. હિન્દુઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાના કારણસર ગુજરાતી વિચાર મંચ દ્વારા ગુજરાતી ફિલ્મ મહારાણીના નિર્માતા(ઓ) સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.