સમાચાર
બુધ્વાર, ૧૩ ઑગસ્ટ, ૨૦૨૫
મુંબઈ પોલીસ ઝોન 7ની પ્રશંસનીય કામગીરી રૂા.1.52 કરોડની કિંમતનો ચોરાયેલો સામાન તેમના મૂળ માલિકોને પરત કર્યો
મુંબઈ પોલીસ ઝોન-7એ મોટી સફળતા હાંસલ કરતાં નાગરિકોનોએક કરોડ બાવન લાખ રૂપિયાની કિંમતનો ચોરાયેલો સામાન શોધી કાઢીને તેના મૂળ માલિકોને પરત આપ્યો છે. તેમાં કુલ 359 મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે, જેની અંદાજીત કિંમત 51 લાખ 59 હજાર 600 રૂપિયા છે. જપ્ત થયેલા સામાનમાં ચેઇન સ્નેચિંગ, વાહન ચોરી, ચીલઝડપ અને અન્ય ચોરીના કેસનો સમાવેશ થાય છે. ગુરૂવાર, તા. 7 ઓગસ્ટના રોજ મુલુંડના એમ.સી.સી. કોલેજમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં આ સામાન માલિકોને પરત કરવામાં આવ્યો.આ પ્રસંગે પૂર્વ પ્રાદેશિક વિભાગના અપર પોલીસ આયુક્ત ડો. મહેશ પાટીલ, પરિમંડળ-7ના ડીસીપી રાકેશ ઓલા, સહાયક પોલીસ આયુક્ત પ્રાચી કરણે અને વિક્રોલી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક સુર્યકાંત નાઈકવાડી હાજર રહ્યા હતા.
પોતાનો ખોવાયેલો સામાન પાછો મેળવીને લોકો ખૂબ ખુશ જણાતા હતા અને તેમણે મુંબઈ પોલીસ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. પોલીસના જણાવ્યા મુજબ આ સામાન પરિમંડળ-7ના હદમાં આવતા 8 અલગ અલગ પોલીસ સ્ટેશનના વિસ્તારોમાંથી ચોરાયો હતો. પીડિતોએ તેની ફરિયાદ સંબંધિત પોલીસ સ્ટેશનોમાં નોંધાવી હતી.આ ચોરીના કેસોને ઉકેલવા અને ચોરેલો સામાન હસ્તગત કરવા માટે પોલીસે ઘણી મહેનત કરી હતી. ખોવાયેલો સામાન પરત આપવાની આ સિદ્ધિ માટે મુંબઈ પોલીસની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.