
રાજકારણ
મુલુંડ ઐરોલી જંક્શન પર કેબલ સ્ટેડ બ્રિજ બાંધવાની મિહિર કોટેચાની માંગણી વિષે વિચારણા થઈ રહી છે
ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મુલુંડ-ઐરોલી જંકશન પર કેબલ સ્ટેડ બ્રિજ તથા વધારાના ચાર રસ્તા બનાવવા બાબતે મુંબઈ મહાનગરપાલિકા વિચારણા કરી રહી હોવાનું કહેવાય છે. જો આ બંને પ્રોજેક્ટ અમલમાં આવે તો પીક-અવર્સમાં અહીં થતા ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળી રહેશે એવું માનવામાં આવે છે.
ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પ્રભુ શ્રીરામ ચોક એટલે મુલુંડ-ઐરોલી જંકશન પર પીક અવર્સ જ નહીં પણ દિવસના મોટાભાગના સમયે ભારે ટ્રાફિક જેમ રહેતો હોય છે. મુલુંડ, ભાંડુપ સહિત વિક્રોલી, ઘાટકોપર સુધીનો તથા પશ્ર્ચિમ ઉપનગરથી વાહનો ઈસ્ટર્ન એક્સપ્રેસથી નવી મુંબઈ જવા માટે ઐરોલી જંકશનનો ઉપયોગ કરે છે. તેથી અહીં ટ્રાફિકની ભારે સમસ્યા રહેતી હોય છે, તેથી તેનો ઉકેલ લાવવા માટે સ્થાનિક વિધાનસભ્ય મિહિર કોટેચા દ્વારા પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીને આ જંકશન પર રોડના બે નવા પ્રોજેક્ટ હાથ ધરવાની માગણી કરવામાં આવી છે, જેમાં જંકશન પર ચાર વધારાના નવા રોડ બાંધવાની માગણી કરવામાં આવી છે, જેને કારણે લગભગ 15 મિનિટનો સમય બચી શકશે. એ સાથે જ અહીં જંકશન પર ઐરોલી તરફ જવા ટૂ-વે કેબલ સ્ટેડ બ્રિજ બાંધવાની માગણી કરવામાં આવી છે. સ્થાનિક વિધાનસભ્યની માગણી બાબતે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ જણાવ્યું હતું કે મુલુંડ-ઐરોલી જંકશન પર નવા રોડ બાંધવા બાબતે સંબંધિત વિભાગને અભ્યાસ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.